સ્પર્ધા!
આ તે વળી કેવી સ્પર્ધા જામી છે આજના આ સંસાર માં? છેલ્લા કેટલાય દિવસો થી હું મારા મન ને આ પ્રશ્ન પૂછી રહ્યો છુ અને સાથે સાથે બીવું પણ છુ કે શું આ સ્પર્ધા માંનો એક સ્પર્ધક હું તો નથી ને? અરે હા, ચોક્કસ પણે હું પણ એનો ભાગ છુ પણ મારે આમાં નથી જોડાવું. અત્યારે લોકો ને નામના મેળવવાની બહુ જ તાલાવેલી લાગેલી છે. કોઈ પણ ભોગે બસ માણસ ને પોતાનું નામ દસ-વીસ લોકો જાણે એવું કોઈક કામ કરવું છે. હવે આ દસ-વીસ લોકો એ માણસ નું નામ સારી રીતે જાણે કે ખરાબ રીતે, એમાં એ માણસ ને કોઈ જ રસ નથી. એ નામના મેળવવા કયા માર્ગ નો ઉપયોગ કરે છે એની તો કોઈ ને પણ નથી પડી અને કેટલા લોકો ના દિલ દુભાય છે એનો કોઈ હિસાબ રાખવાની તસ્દી લે એમ જ નથી. દસ લોકો એ ઓળખ્યા એટલે હવે ૨૦ લોકો ની આગળ પ્રસિદ્ધિ હાંસલ કરવી છે, ૨૦ પછી ૩૦ અને એમને એમ આ આંક આગળ ધપાવા માટે ખબર ની કેટલાય ને કડવા ઘૂંટડા પીવા પડે છે, કેટલાય લોકો ને અપમાન નો ભોગ બનવું પડે છે, કેટલાય લોકોની માનહાની થાય છે અને કેટલાય લોકો ના હૃદય કણસી ઉઠે છે, પણ આ કેટલાય લોકો નો આંક હજુ સુધી કોઈ ને જડ્યો જ નથી કારણકે આ સ્પર્ધા માં આજે કોઈને કોઈની બી પડી નથી. સત્તા ના વિલાસી ઓ ના જાણે કેટલાય લોકો ને પોતાનો ભોગ બનાવ્યા હશે. પોકળ સ્વપ્નો દેખાડીને એમનો ખોટે ખોટે લાભ ઉઠાવ્યો હશે. અરે આજે તો કોઈ પરમ મિત્ર પણ "આગળ" વધવા માટે પોતાના જીગર જાન દોસ્ત ને અંધારામાં રાખે છે અને એની વિચારસરણી જરાક આ રીતની હોય છે, "રખે ને જો આને ખબર પડી ગઈ તો આ મારાથી “આગળ” નીકળી જશે અને હું હારી જઈશ" હારજીત ના આ સટ્ટા માં મૈત્રી નીલામ થઇ જાય છે અને તસુ ભર મુલ્ય નથી ઉપજતું એનું. સ્નેહીજનો ને પણ લોકો પોતાના કર્યો માં સાંકળી શકતા નથી, બધું બસ પોતે જ જાપટી જાઉં છે એવી વૃત્તિ ઓ દિવસે અને દિવસે દરેક વ્યક્તિ ના માનસ માં પાંગરી રહી છે.
કેટલાય દંભ અને કેટલીયે છેતરપીંડી ઓ કરવા છતાં પણ માણસને પોતાની આ હેવાનિયત નું ભાન થતું નથી અને એ નીશદીન સત્તા,પૈસો,નામના,પ્રસિદ્ધિ ની મદિરા પીને એના નશા માં ચકચૂર થઇ ને રાચે છે. માણસ એટલો બધો તે આડંબરી બની ગયો છે કે એને કોઈની કોઈ પરવાહ જ નથી. મને તો એવી બી શંકા છે કે દંપતી માં એવા બહુ ઓછા ઉદાહરણો હશે કે જેમાં બંને એકબીજા જ ને પોતાનું સર્વસ્વ માની ચુકેલા હોય અને નિસ્વાર્થ ભાવે એકબીજા માટે પોતાનું જીવન જીવતા હોય. પણ ક્યારેક મને એવો બી વિચાર આવે છે કે આ ગળાકાપ સ્પર્ધા ના સ્પર્ધકો ને શું એ વાત ની સભાનતા ની હોય કે એ લોકો જે કરી રહ્યા છે એ તદ્દન અયોગ્ય છે અને કેટલાય લોકો ની બદદુઆ સહેવી પડી રહી છે. એમનાથી આ બદબુઈ નો ભાર કેવી રીતે ઉંચકાતો હશે? ક્યારેક બી એમના મન માં એવી ભાવના ઉત્પન્ન ની થઇ હોય કે "હું જે કરું છુ એ યોગ્ય છે. હું માર્ગ ભૂલેલો જીવન પથિક છુ અને મારે મારી આ ભૂલ નો ભોગ બીજા ને ન બનવા જોઈ એ?" શું એમને એ ખ્યાલ નઈ હોય કે આ હરીફાઈ માં જે જીતશે એ જ સૌથી કારમી પરાજય ભોગવશે? શું આવા લોકો ને એવું થતું ની હોય કે "બસ હવે મારે પાછુ વળી જવું જોઈ એ?" મને તો લાગે છે કે આ લોકો ને ચોક્કસ પણે એવું થતું હશે અને જો ની થતું હોય તો થશે તો ખરું જ. આવા લોકો પર મને ક્યારેક દયા આવે છે કારણકે એ લોકો પોતાની હઠ ની આગળ લાચાર થઇ ને પોતાના આડંબર ની ભૂખ મટાવા નીકળ્યા હતા અને ઘણા પરીશ્રમો પછી પણ સંતોષ નો એક બી કોળ્યો પામી ન શક્યા. આવા લોકો અસહાય ની ભાવના કેળવી ઉઠે છે કારણકે અત્યારે એ લોકો જ્યાં પહોંચી ગયા છે ત્યાંથી હવે આગળ કોઈ રસ્તો નથી અને પાછળ આવવું એમને પરવડે એમ નથી. ભારે મક્કમતા ની ખોટ સાલે છે એ લોકો ને કારણકે એક વખત આ પોકળ મુસાફરી માંથી પાછા ફરવું એ કોઈ નાની સુની વાત નથી. પણ જે માણસ આ મક્કમતા, નીડરતા અને પોતાની જાત નો સામનો કરવાની હિંમત ભેગી કરી લે છે એ આરામ થી પાછો આવી શકે છે અને ફરી વાર એક ભૂલકા ની જેમ નાની નાની અર્થ વિહીન વાતો માંથી પણ આનંદ ઉઠાવી શકે છે. ભૂલકા ઓ કદી સ્પર્ધા માં ભાગ લેતા જ નથી અને એમને આખી દુનિયા માં સ્પર્ધકો સિવાય ની બાકી બધી જ વસ્તુ ઓ માં રસ હોય છે. તો આવો આજે આ સ્પર્ધા ને અડધે રસ્તે મુકીને પાછા આપણાં ભૂલકા ઘર માં જઈ એ અને આ બધી મોહ માયા થી વિરક્તિ મેળવીએ.